
નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના જાના ફળિયામાં આવેલી આંગણવાડી પાસે ખેતીવાડી તથા ઘર વપરાશ માટેના બંને ટ્રાન્સફોર્મર (ડી.પી.) ફરતે જરૂરી પ્રોટેક્શન વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ટ્રાન્સફોર્મરો ખુલ્લા હાલતમાં હોવાથી વારંવાર જોખમી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

તાજેતરમાં શોર્ટ સર્કિટના કારણે હાઈ ટેન્શન (HT) લાઇનના વાયર તૂટી જમીન પર પડી ગયા હતા, જેના કારણે આગ લાગી હતી. આ ઘટના ગામ લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરનાર બની છે. ખાસ કરીને આંગણવાડી નજીક ટ્રાન્સફોર્મર હોવાને કારણે નાના બાળકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. દિવસ દરમિયાન અહીંથી ગામ લોકો, મહિલાઓ અને બાળકોનો સતત અવર જવર રહેતો હોય છે.

વાયરો રસ્તા પર પડી જતાં કેટલાક સમય માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ગામ લોકો દ્વારા સરપંચશ્રી તેમજ સંબંધિત વીજ વિભાગના અધિકારીઓ અને ઇજનેરોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ આ ગંભીર મુદ્દાને અવગણતા દેખાઈ રહ્યા છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે ? ગામ લોકોએ તાત્કાલિક ટ્રાન્સફોર્મર આસપાસ યોગ્ય પ્રોટેક્શન વ્યવસ્થા ઉભી કરી સલામતી સુનિશ્ચિત કરવા માંગ કરી છે.