
નાનાપોંઢા તાલુકાના બાલચોંઢી ગામે આમ આદમી પાર્ટીની વિશેષ બેઠક મળી હતી, જેમાં પ્રદેશ સહસંગઠન મંત્રી જ્યેન્દ્ર ગાંવિત ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ આવનારી જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટેની તૈયારી અને સંગઠન મજબૂત બનાવવાનો હતો.

બેઠક દરમિયાન 28 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 2 વાગ્યે, નાનાપોંઢા ખાતે યોજાનાર “ગુજરાત જોડો” અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના જનનાયક તથા ડેડીયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો સાથે અનેક સક્રિય કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આવનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિગતવાર રણનીતિ ઘડવામાં આવી અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી.

બેઠકમાં તળિયાના સ્તરે સંગઠનને વધુ સશક્ત બનાવવા અને લોકપ્રશ્નો ઉકેલવા માટે પાર્ટીના આગામી પગલાં અંગે ચર્ચા થઈ. “ગુજરાત જોડો” અભિયાન દ્વારા આદિવાસી વિસ્તારોમાં નવી ઉર્જા અને એકતાનો સંદેશ ફેલાવવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.