
તારીખ 31 જાન્યુઆરી, 2026ના શનિવારે મોડી સાંજે પારડી તાલુકાના સામરપાડા ગામમાં રૂઢિગત ગ્રામસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉત્સાહભેર “જય જોહર, જય આદિવાસી”ના નારા સાથે કરવામાં આવી હતી. આ અવસરે આદિવાસી પરંપરાઓને અનુરૂપ પ્રકૃતિ પૂજન દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો હતો.

ગ્રામસભામાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વ જાળવવા માટેના પ્રયત્નો, બંધારણીય હક-અધિકારો તથા પેસા એક્ટ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો. આ ચર્ચા દરમિયાન ગ્રામજનોને તેમના અધિકારો અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ ગામના વિકાસ માટે લોક સહભાગિતાની આવશ્યકતા પર ભાર મુકાયો.

કાર્યક્રમમાં ચીખલી તાલુકાના સાદલવેલ ગામના સરપંચ શ્રી પંકજભાઈ પટેલ, કપરાડા તાલુકાના વાડધા મનાલા ગામના સરપંચ શ્રી જયેન્દ્રભાઈ ગાંવિત, બાબરખડક ગામના આદિવાસી આગેવાન શ્રી અજીતભાઈ પટેલ, સામરપાડા ગામના રૂઢિપ્રથા અધ્યક્ષ શ્રી ધીરુભાઈ પટેલ, ડૉ. નિકુંજભાઈ પટેલ, મિતેશભાઈ, પંકજભાઈ, આત્મારામભાઈ તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓ અને બાળકો સહિત ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી કાર્યક્રમને એકતા અને સાંસ્કૃતિક ભાવનાનો જીવંત ઉદાહરણ મળ્યો. આખો કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતા પૂર્વક પૂર્ણ થયો અને અંતે સૌએ એકતા, સંસ્કૃતિ અને હક્કોની રક્ષા માટે સંકલ્પ લીધો.