મનાલા મૂળ ફળિયામાં મોટરસાયકલ સવાર યુવાનો કોઝવે પુલ પરથી તણાયા, ગ્રામજનોના પ્રયાસોથી બચાવ

0
687

કપરાડા તાલુકાના મનાલા મૂળ ફળિયા પાસે આવેલ કોઝવે પુલ પર આજે સવારે મોટો બનાવ બન્યો હતો. મોટી પલસાણ ગામના બે યુવાનો ઉત્તમભાઈ સોનિયાભાઈ પાગી અને અમૃતભાઈ જાનુભાઈ પાગી પોતાની મોટરસાયકલ (GJ15 DF2743) પર કામકાજ અર્થે વાપી તરફ જતાં હતા. એ સમયે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કોઝવે પુલ પર પાણી ભરાઈ જતા મોટરસાયકલ સહિત બંને સવાર વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ગ્રામજનોએ બંને યુવાનોને હેમખેમ પાણીમાંથી બહાર કાઢ્યા અને સાથે મોટરસાયકલને પણ સુરક્ષિત બહાર લાવવામાં આવી હતી. સદનસીબે બંને યુવાનોના જીવ બચી ગયા હતા, જેથી ગ્રામ્ય વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

આ બનાવની જાણ થતાં વાડધા મનાલા ગામના સરપંચ જ્યેન્દ્ર ગાંવિત પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ગામ લોકોના બહાદુરી પૂર્ણ પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સરકારને તાત્કાલિક આ કોઝવે પુલને મોટો પુલ બનાવવાની માંગણી કરી હતી, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને અને લોકોની જાનમાલની સુરક્ષા રહે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદી સિઝનમાં આ કોઝવે પુલ પર વારંવાર જોખમ ઊભું થાય છે અને લોકોને જીવના ભય સાથે અવર જવર કરવી પડે છે. આજની ઘટના એ હકીકતને ફરી સાબિત કરે છે કે સરકારશ્રીએ તાત્કાલિક કાયમી ઉપાય કરવા જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here