
7 સપ્ટેમ્બર, 2025ના રોજ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ બનવા જઈ રહ્યું છે. આ ખગોળીય ઘટના ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સ્પષ્ટ રીતે જોવા મળશે. દેશમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, પુણે, લખનૌ, હૈદરાબાદ અને ચંદીગઢ જેવા મુખ્ય શહેરોના લોકો આ અદ્ભુત નજારો નિહાળી શકશે.
ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી ટાપુઓ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ એન્ટાર્કટિકાના કેટલાક વિસ્તારોમાંથી પણ આ ગ્રહણ જોવામાં આવશે. ચંદ્ર પૃથ્વીની છાયામાં ધીમે ધીમે પ્રવેશતા અને બહાર નીકળતા સૌંદર્યનું આકર્ષક દૃશ્ય સર્જાશે.
ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ રાત્રે 9 કલાક 58 મિનિટે શરૂ થશે અને રાત્રે 1 કલાક 26 મિનિટે સમાપ્ત થશે. ખાસ કરીને રાત્રે 11 વાગ્યાથી 12 કલાક 22 મિનિટ દરમિયાન “બ્લડ મૂન”નું મનમોહક દૃશ્ય જોવા મળશે, જે ખગોળ પ્રેમીઓ માટે અદભૂત અનુભવ બની રહેશે.
ખગોળ શાસ્ત્રીઓનું કહેવું છે કે આ ઘટના વૈજ્ઞાનિક અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે, જ્યારે સામાન્ય લોકો માટે આકાશમાં બનતો આ વિરલ નજારો યાદગાર ક્ષણ બની રહેશે. તારા પ્રેમીઓને ખુલ્લા આકાશ નીચે રહી આ અદભૂત ખગોળીય ઘટના માણવાની અપીલ કરવામાં આવી છે.