
પારડી તાલુકાના ચીવલ ગામમાંથી પસાર થતી કોલક નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન કેટલાય ભાવિકોએ શ્રદ્ધા પૂર્વક પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. પરંતુ વિસર્જન પછી ચીવલ સ્મશાન ભૂમિ પાસે એક ગણેશજીની પ્રતિમા પાણીની બહાર આવી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને એક જાગૃત યુવકે તરત જ પ્રતિમાને યોગ્ય રીતે ઉઠાવી ફરી નદીમાં વિસર્જન કર્યું હતું.

ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તો ઘરમાં કે પંડાલમાં પૂજા અર્ચના કરીને ભગવાન ગણેશની પ્રતિમાને પરંપરાગત વિધિ પૂર્વક પાણીમાં વિસર્જન કરે છે. તેમ છતાં, કેટલીક વખત પાણીના સ્તર ઓછું હોવા કે અન્ય કારણોસર પ્રતિમા કિનારે આવી જતી હોય છે. આવી સ્થિતિમાં બાબરખડક ગામના ડુંગરી ફળિયામાં રહેતા ભાવેશભાઈ ઉત્તમભાઈ પટેલ નામના એક યુવાને દાખવેલી સતર્કતા અને ભક્તિ ભાવ સૌ માટે પ્રેરણાસ્પદ છે.

આ ઘટનાએ ફરી એક વાર સંદેશ આપ્યો છે કે ધાર્મિક વિધિ સાથે સાથે પર્યાવરણ જતન અને પ્રતિમા વિસર્જન પ્રત્યેની જવાબદારી દરેક ભક્તની છે. ગામ લોકોએ પણ યુવકના આ કાર્યને વખાણ્યું હતું અને આવનારા સમયમાં વિસર્જન સમયે વધુ સાવચેતી રાખવાની અપીલ કરી હતી.