વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને રાષ્ટ્રીય ટીમમાં નિમણૂક

0
69

વલસાડ-ડાંગના લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન દ્વારા “આત્મનિર્ભર ભારત – હર ઘર સ્વદેશી (વોકલ ફોર લોકલ)” અભિયાનની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ તેમને ઉત્તર-પૂર્વના સાત રાજ્યોના પ્રભારી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી વલસાડ-ડાંગ સહિત નવસારી જિલ્લામાં પણ આનંદની લાગણી વ્યાપી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા “આત્મનિર્ભર ભારત” અભિયાનનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, સ્વદેશી ઉત્પાદનોનો વધતો ઉપયોગ અને નાના-મોટા વેપારીઓને મજબૂત બનાવવાનો છે. દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી અગત્યની બેઠક બાદ આ નિમણૂક જાહેર કરવામાં આવી હતી.

સાંસદ ધવલભાઈ પટેલ યુવા, શિક્ષિત તથા સતત જનસંપર્કમાં રહેનારા નેતા તરીકે જાણીતા છે. તેમના વિશ્વાસ, કાર્યક્ષમતા અને પ્રભાવને ધ્યાને રાખીને પાર્ટીએ તેમને આ જવાબદારી સોંપી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવવાની ઝુંબેશ ચલાવી હતી, જેને આગળ વધારતા વડાપ્રધાન મોદીએ “હર ઘર સ્વદેશી – વોકલ ફોર લોકલ” અભિયાનને રાષ્ટ્રીય સ્તરે ગતિ આપી છે.

હાલમાં સાંસદ ધવલભાઈ પટેલ ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. અહીં તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો અને સંગઠન સાથે બેઠક યોજી રહ્યા છે. બેઠકમાં ઉત્તર-પૂર્વમાં સ્વદેશી ચળવળને મજબૂત બનાવવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની તેમજ વિસ્તારના લોકોના આર્થિક વિકાસમાં યોગદાન વધારવા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.

આ નવી જવાબદારીથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સ્વદેશી ચળવળને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here