વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે વરસાદ-વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે રાહત પેકેજની માંગ…

0
154

વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે એમના મત વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે થયેલા વ્યાપક નુકસાનને પગલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની લેખિત રજૂઆત કરી છે.

સાંસદશ્રીએ રજૂઆતમાં જણાવ્યું કે વલસાડ તાલુકાના સુરવાડા ગામમાં અંદાજે ૫૦ જેટલા ઘરોના છાપરા ઉડી ગયા છે, દરિયા કાંઠે ૮ થી ૧૦ માછી મારી બોટ તૂટી ગઈ છે તથા ૬ નાગરિકોને ઈજા પહોંચી છે. વાંસદા તાલુકાના સિણધઈ ગામમાં આશરે ૨૫૦ જેટલા ઘરોને ભારે નુકસાન થયું છે અને અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે. ખેતીમાં ડાંગર તથા બાગાયતી પાકને પણ ગંભીર અસર પહોંચી છે.

ચીખલી, કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદથી કોઝવે પાણીમાં ફરી વળતા ખેતરોને નુકસાન, પશુ પાલકોને મુશ્કેલીઓ અને અંતરીયાળ વિસ્તારોની અવર જવરમાં ખલેલ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા સર્વે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, છતાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવું અત્યંત જરૂરી હોવાનું સાંસદશ્રીએ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે, જેથી અસર ગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here