વડખંભા ગામે ખેતરમાં ગેરકાયદે ગાંજાની ખેતી, 25 છોડ સાથે એક યુવક ઝડપાયો

0
1039

નાનાપોંઢા તાલુકાના વડખંભા ગામે ખેતરમાં ગેરકાયદે રીતે ગાંજાની ખેતી કરવામાં આવી હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરીને એક યુવકને ઝડપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામમાં રહેતા અને નાનાપોંઢાની એક કંપનીમાં નોકરી કરતા યુવકે પોતાના ખેતરમાં ગાંજાના 25 છોડ રોપ્યા હતા. આ અંગેની ચોક્કસ માહિતી મળતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ગાંજાના છોડ કબ્જે લીધા હતા.

યુવકને પોલીસે પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સઘન પૂછપરછ હાથ ધરી છે. જો કે, આ મામલે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. કેસની વધુ તપાસ જિલ્લા એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા કરવામાં આવી રહી છે. રવિવારે આ સંબંધિત વધુ વિગત જાહેર થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વાપી-ચલા વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાઈ 30 કરોડનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. તે ઘટનાના મુખ્ય આરોપી મેહુલ ઠાકુર અને વિવેક રાય હજી સુધી પોલીસ પકડથી દૂર છે. સતત વધતા ડ્રગ્સ સંબંધિત કેસોને ધ્યાનમાં લેતા પોલીસ તંત્ર વધુ ચુસ્ત દેખરેખ રાખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here