
માનવ સેવાના પવિત્ર હેતુ સાથે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ પારડી ખાતે અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડના સહયોગથી આજે તારીખ 11 ઓગસ્ટ 2025 ના સવારે 10:00 વાગ્યે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

“રક્તદાન કરો અને જીવન બચાવો”ની ભાવનાને કેન્દ્રમાં રાખીને આયોજિત આ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

શિબિર દરમિયાન રક્તદાતાઓ માટે આરોગ્યની ચકાસણી, સલામત રક્ત સંગ્રહ અને જરૂરિયાતમંદોને સમયસર રક્ત ઉપલબ્ધ થાય તેવા સંકલ્પ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વલસાડ રક્તદાન કેન્દ્રની તજજ્ઞ ટીમ દ્વારા રક્ત સંગ્રહનું કાર્ય સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

શાળાના સ્ટાફ સભ્યો, શિક્ષકો તથા સંચાલન ટીમે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે શિબિરના આયોજનમાં સહયોગ આપ્યો હતો. આ સમગ્ર પ્રસંગમાં માનવતાની ભાવના જીવંત બની રહી હતી.

આ રક્તદાન શિબિરનું મુખ્ય ઉદ્દેશ હાલના સમયમાં વધી રહેલા માર્ગ અકસ્માતો તથા તાત્કાલિક સારવારમાં જરૂરી રક્તની અછતને પહોંચી વળવાનો રહ્યો હતો.

શાળા પરિવાર દ્વારા તમામ રક્તદાતાઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યમાં વધુ લોકોએ ભાગ લે એવી અનુરોધ પૂર્વક અપીલ કરવામાં આવી હતી.