
પારડી તાલુકાના ચીવલ ગામના ડુંગરી ફળિયામાં આવેલ હનુમાનજી મંદિર ખાતે તારીખ 18 ઓગસ્ટ, 2025 ની મધરાતે ચોરીનો પ્રયાસ થયો હતો. સ્થાનિક જય બજરંગ યુવક મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાત્રે લગભગ 12:45 થી 1:00 વાગ્યા વચ્ચે એક અજાણ્યો શખ્સ મંદિરની દાનપેટી લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જો કે રાત્રે 1:00 વાગ્યે આજુબાજુના ઘરોમાંથી લોકો જાગી જતાં તે શખ્સ દાનપેટી, પોતાની છત્રી અને ચંપલ ત્યાંજ મૂકી નાસી છૂટ્યો હતો. તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ ગામમાં ચોરીની આટલી નજીકથી થયેલી કોશિશને કારણે ચિંતા વ્યાપી છે.

યુવક મંડળ દ્વારા ફળિયાના લોકો માટે સતર્કતાની અપીલ કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિઓને ફળિયામાં પ્રવેશ ન આપવા તેમજ શંકાસ્પદ હલચલ જણાય તો તરત જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

ગામમાં શાંતિભંગ ન થાય તે માટે રાત્રિ સમયે વધુ સતર્ક રહેવું જરૂરી બની ગયું છે.