
દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી સામે સરકાર દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ આ સંબંધિત બિલ પસાર થઇ ગયું છે. નવા કાયદા મુજબ, ઓનલાઈન સટ્ટાની પ્રવૃત્તિ હવે ગુનાની શ્રેણી હેઠળ ગણાશે અને આવા પ્લેટફોર્મ ચલાવનારા, તેમની જાહેરાતો કરનારા તથા માર્કેટિંગમાં જોડાયેલા દરેક પર કાનૂની કાર્યવાહી થઈ શકશે.

માહિતિ અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ સ્પષ્ટ સૂચના આપી છે કે અનધિકૃત સટ્ટા અથવા રમી શકાતી ગેમિંગ એપ્લિકેશન્સની જાહેરાતો, પ્રમોશનલ પોસ્ટ્સ અથવા સ્પોન્સર્ડ સામગ્રીને દૂર કરવામાં આવે. આ સાથે, જો કોઈ સેલિબ્રિટી કે ઈન્ફ્લૂએન્સર આવા પ્લેટફોર્મ્સનું પ્રમોશન કરે છે, તો તેની સામે પણ કાયદેસર પગલાં લેવાશે.

સરકારનું કહેવું છે કે આવા ડિજિટલ સટ્ટા પ્લેટફોર્મ યુવાનોને ખોટી દિશામાં લઈ જાય છે અને તેમનું આર્થિક તેમજ માનસિક નુકસાન કરે છે. નવા કાયદાના અમલથી આવું રોકી શકાય તેમ થશે અને ડિજિટલ જગતમાં નિયમ અને જવાબદારી વધુ મજબૂત બનશે.