
કપરાડા તાલુકાના અસલકાટી ગામ નજીક ફતેપુર વન વિભાગની ટીમે ગેરકાયદે ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ દક્ષિણ વન વિભાગના ડી.એફ.ઓ. ડી.એન. રબારીને મળેલી ગુપ્ત માહિતીના આધારે શનિવારે મોડી રાત્રે ફતેપુર રેંજના વન અધિકારી કે.એન. પટેલ તથા તેમની ટીમે મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ નજીક વિશેષ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

આ દરમિયાન મહેન્દ્રા બોલેરો (નં. MH17 Q0957) ને અટકાવવાનો પ્રયાસ કરતાં જ જીપનો ચાલક ફરાર થઈ ગયો હતો. વન વિભાગની ટીમે પીછો કરીને અસલકાટી ગામે જીપને રોકી તપાસ કરતાં અંદરથી ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં કુલ 28 ઘન મીટર (લગભગ 0.657 ટન) ખેર લાકડું મળી આવ્યું, જેની બજાર કિંમત રૂપિયા 19,925 થાય છે.

સાથે જ ગેરકાયદે લાકડાની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો જીપ પણ કબ્જે લેવામાં આવી હતી. કુલ મળી રૂપિયા 99,250 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે તેમજ ફરાર થયેલા ચાલકની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.