
કપરાડા તાલુકાના કોઠાર ગામે ગત 25 ઓગસ્ટની મધરાત્રીનો કિસ્સો સ્થાનિકોમાં ભય ફેલાવનાર બન્યો છે. માહિતી મુજબ, હોળી ફળિયામાં રહેતા અજયભાઈ શાંતુભાઈ ગાઈનના ઘરે પાળેલા શ્વાન ઉપર જંગલી પ્રાણીએ હુમલો કર્યો હતો. હુમલા બાદ શ્વાન ભસતા ભસતા ઘરની બહાર ભાગી ગયો હતો.

ઘરના મોભી અજયભાઈએ અવાજ સાંભળી બહાર નજર કરતાં, પ્રાણીનું વર્ણન “વાઘ” તરીકે કર્યું હતું. વહેલી સવારે ગામ લોકોએ આજુબાજુ તપાસ કરતા મોટા પગના પંજા જોવા મળ્યા હતા, જેના આધારે વાઘ હોવાનો શંકાસ્પદ દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે હાલ સમગ્ર વિસ્તાર ગભરાટના માહોલમાં છે.

લોકોની સુરક્ષા અને ઘટના અંગેની સાચી હકીકત જાણવા ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે. ગામ લોકોનું કહેવું છે કે તંત્રે ઘટનાને ગંભીરતાથી લઈને ટ્રેકિંગ કરીને જંગલી પ્રાણીની ચોક્કસ ઓળખ કરવી જોઈએ.

આ વચ્ચે NEWS OF VALSAD દ્વારા સંપર્ક કરતા કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયાએ જણાવ્યું હતું કે ગામ લોકો વાઘ હોવાનું કહી રહ્યા છે, પરંતુ હકીકતમાં એ દીપડો હોવાની શક્યતા વધારે છે.

હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે, અને તંત્રે વાઘ કે દીપડો હોવાનો સચોટ પુરાવો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવી જરૂરી બની છે…