
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેજર ધ્યાન ચંદજીની જન્મજયંતિને નિમિત્તે સમગ્ર દેશમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા “નેશનલ સ્પોર્ટ્સ ડે” અને “સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુસંધાને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજે તેમના જનસંપર્ક કાર્યાલય “શ્રી અટલ જનસેવા કેન્દ્ર” ખાતે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી.

કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ધારાસભ્યો ભરતભાઈ પટેલ તથા અરવિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા. સાંસદશ્રીએ જણાવ્યું કે ખેલ મહોત્સવ માટેનું રજીસ્ટ્રેશન ૨૯ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી થશે અને ૨૧ સપ્ટેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે ૨૫ ડિસેમ્બર, ભારત રત્ન શ્રી અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતિએ યોજાશે.

આ ખેલ મહોત્સવમાં હોકી, એથ્લેટિક્સ, ખોખો, મેરેથોન, વોલીબોલ, રશાખેંચ, કરાટે, યોગાસન, ફૂટબોલ તથા ક્રિકેટ સહિત ૧૧ પ્રકારની રમતો સામેલ છે. કાર્યક્રમ માટેનું ઓનલાઈન પોર્ટલ www.sansadkhelmahotsav.in નું શુભારંભ સાંસદશ્રીએ કર્યો.
પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ, યુવા મોરચાના આગેવાનો તથા નગરપાલિકા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.