
કપરાડા તાલુકાના ધારણમાળ ગામે સતત વરસતા વરસાદ વચ્ચે એક મૃતકની અંતિમ વિધિ યોજાતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાન ભૂમિ સુધી પાકો રસ્તો ન હોવાથી મૃતકના સ્વજનોને કાદવ અને વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

મૃતદેહ વરસાદમાં ભીંજાઈ ન જાય તે માટે તેને તાડપત્રીથી ઢાંકી અંતિમ વિધિ કરવી પડી હતી. પરિવારજનો છત્રી અને રેઇનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા, જેના કારણે શોકસભા કરતાં વધારે મુશ્કેલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું.

ગામ લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ ઉભી થાય છે. પાકો રસ્તો ન હોવાને કારણે સ્મશાન સુધી પહોંચવું મુશ્કેલ બને છે, જ્યારે સ્મશાનમાં પાકું મકાન કે છાપરું ન હોવાને કારણે અંતિમ વિધિ દરમિયાન ગ્રામજનોને ભારે તકલીફ પડે છે.

આ મુદ્દે ગ્રામજનો દ્વારા તાત્કાલિક પાકો રસ્તો તથા સ્મશાનમાં પાકું મકાન બાંધવાની માંગ ઉઠાવવામાં આવી છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે સમસ્યા લાંબા સમયથી યથાવત છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી. હવે લોકો આશા રાખે છે કે સત્તાવાળાઓ તેમની વ્યથા સમજી તાત્કાલિક પગલા લેશે.