
પારડી રેલવે સ્ટેશન પર આજે સવારે અંદાજે 9:00 વાગ્યે એક અચાનક બનાવ બન્યો હતો. જોધપુરથી બાંદ્રા ટર્મિનસ જતી 12480 સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન પારડી સ્ટેશન પર રોકાઈ ગઈ હતી. અચાનક ઉભી થયેલી આ પરિસ્થિતિને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા સૈંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

માહિતી અનુસાર, ટ્રેન જ્યારે પારડી સ્ટેશન નજીક પહોંચી ત્યારે એન્જિનમાં ખામી જણાતાં તેને તરત જ સ્ટેશન પર રોકી દેવાઈ હતી. રેલવેના તકનીકી કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખામી દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. મુસાફરોને લાંબા સમય સુધી ટ્રેનમાં જ રાહ જોવી પડી હતી, જેને કારણે તેમના પ્રવાસમાં વિલંબ થયો હતો.

રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, એન્જિનની ખામી દૂર થયા બાદ ટ્રેનને ફરી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ બનાવને કારણે અન્ય ટ્રેનોની ગતિ પર ખાસ અસર થઈ નહોતી, પરંતુ સૂર્યનગરી એક્સપ્રેસના મુસાફરોને થોડો તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

મુસાફરોમાં કેટલાકે રેલવે અધિકારીઓને સમયસર માહિતી આપવાની માંગ કરી હતી, જેથી આવી અચાનક પરિસ્થિતિમાં મુસાફરો ગભરાય નહીં.