
વલસાડ જિલ્લાની હરિયાળી ધરતી હવે વિદેશી ફૂલોથી શોભાઈ રહી છે. કપરાડા તાલુકાના સુખાલા ગામના શિક્ષિત આદિવાસી યુવા ખેડૂત હાર્દિક પટેલે પોલીહાઉસ સ્ટ્રકચર સહિત ત્રણ યોજનાઓનો લાભ લઈ રાજ્ય સરકાર પાસેથી રૂ. ૪૯ લાખની સબસિડી મેળવી કૃષિ ક્ષેત્રે અનોખી ક્રાંતિ કરી છે. તેમણે વૈશ્વિક કક્ષાએ થતી ઓર્કિડ ફૂલની ખેતીને સ્થાનિક સ્તરે અપનાવી આર્થિક આત્મ નિર્ભરતાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, “સરકાર તરફથી મળેલી આટલી મોટી સહાય વિના ઓર્કિડની ખેતી શરૂ કરવી મારા માટે અશક્ય હતી.” હાલ તેઓ ચાલુ સિઝનમાં મહિને રૂ. એક થી દોઢ લાખ સુધી અને ઓફ-સિઝનમાં રૂ. ૬૦ થી ૭૦ હજાર સુધીની આવક મેળવી રહ્યા છે. એક વાર ઓર્કિડનો છોડ રોપ્યા બાદ તેનું આયુષ્ય ૧૦ વર્ષનું હોય છે, જેના કારણે લાંબા ગાળે ખેડૂતોને સતત આવક મળતી રહે છે.

આ રીતે ગામડાના યુવકે નવીન ટેકનોલોજી સાથે તાલમેલ સાધી, વિદેશી ફૂલોને ઘર આંગણે ઉગાડી, કૃષિ ક્ષેત્રે આત્મ નિર્ભરતાનો એક અનોખો માદરી પુરાવો સ્થાપ્યો છે.