
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજી આવનારા 13 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનાર 12મી વાર્ષિક ચિંતન શિબિરના આયોજનને આખરી સ્વરૂપ આપ્યું. આ શિબિરમાં માનનીય મંત્રીશ્રીઓ તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 2003માં આ વાર્ષિક ચિંતન શિબિરની શરૂઆત કરી હતી, જેનુ ઉદ્દેશ રાજ્ય શાસનને વધુ લોકાભિમુખ અને પ્રજાહિત કેન્દ્રી બનાવીને ‘ઈઝ ઓફ ગવર્નન્સ’ની કાર્યસંસ્કૃતિ વિકસાવવાનું છે.

આ વર્ષે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ થીમ હેઠળ પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા અગત્યના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા અને નાગરિકોને કેન્દ્રસ્થાને રાખીને નીતિ-નિર્ણયો વધુ અસરકારક બને તેવા હેતુસર આ શિબિર એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.