
નાનાપોંઢા તાલુકાના બાબરખડક ડુંગરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિની એક દિવસીય તાલીમ તથા માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શાળાના વિકાસ, શિક્ષણની ગુણવત્તા સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન શાળાની સફાઈ, પાણી વ્યવસ્થા, ભૌતિક સુવિધાઓ, દિવ્યાંગ બાળકો માટે ખાસ કાળજી, બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા અને આરોગ્ય જાગૃતિ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ શાળામાં સ્માર્ટ ક્લાસ સ્થાપના અંગે ચર્ચા કરી શૈક્ષણિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ ઠરાવો લેવામાં આવ્યા.

બેઠકમાં એસએમસી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, ઉપાધ્યક્ષ સુમિત્રાબેન દબોડિયા, શિક્ષણવિદ્ અજીતભાઈ પટેલ, વાલી સભ્યો કાજલબેન પટેલ, અરૂણાબેન વરઠા, ભાવેશભાઈ પટેલ, હેમિલભાઈ પટેલ તથા મુખ્ય શિક્ષિકા રમીલાબેન માહલા અને શિક્ષિકા સરલાબેન ગાંવિત ઉપસ્થિત રહ્યા હતા.

“આનંદદાયી શનિવાર” કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં હાજર એસએમસી સભ્યોએ શાળાના સર્વાંગી વિકાસ માટે ઉત્સાહ પૂર્વક સહભાગિતા દર્શાવી અને બાળકોના ભવિષ્ય નિર્માણ માટે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.