
પારડી તાલુકાના ડહેલી ડવલજીર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક શ્રી દિલીપકુમાર બાલુભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારંભ હર્ષોલ્લાસભેર યોજાયો હતો. શિક્ષણ ક્ષેત્રે ૩૫ વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠા પૂર્વક સેવાઓ આપનાર શ્રી પટેલે વર્ષ ૧૯૯૦માં પોરબંદર જિલ્લાના બિલેશ્વર પ્રાથમિક શાળામાં બિન તાલીમી શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તાલીમ મેળવી વલસાડ જિલ્લાના ડવલજીર શાળામાં ૨૫ વર્ષથી વધુ સમય સુધી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.
શ્રી પટેલે શિક્ષણ ક્ષેત્ર ઉપરાંત વિજ્ઞાન મેળા, રમત ગમત, તરૂણ મહોત્સવ, ચૂંટણી કામગીરી અને કોરોનાકાળ દરમિયાન આપેલી નિષ્ઠાભરી સેવાઓ માટે સૌએ તેમની પ્રશંસા કરી હતી. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાલ શ્રીફળ અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી તેજલબેન મિતેશભાઈ પટેલ, પારડી તાલુકા બી.આર.સી. શ્રી બીપીનભાઈ, એસ.એમ.સી. સભ્ય શ્રીમતી પ્રિયંકાકુમારી, સી.આર.સી. શ્રી મયુરભાઈ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર તરફથી શ્રી પટેલને નિવૃત્તિ બાદ આરોગ્ય, આનંદ અને દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.