
આજરોજ વિકાસ સપ્તાહ અંતર્ગત નાનાપોંઢા ખાતે રવી કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂત ભાઈ-બહેનો સાથે સંવાદ સાધી સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કૃષિની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. કાર્યક્રમ દરમ્યાન કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું.

આ અવસરે કૃષિ વિભાગ દ્વારા આયોજિત પ્રદર્શનમાં ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી, બાગાયત તથા નવીન કૃષિ ઉપકરણોનું પ્રદર્શન કરાયું હતું. ધારાસભ્યશ્રીએ પ્રદર્શનની મુલાકાત લઈ ખેડૂતોને આધુનિક કૃષિ તરફ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આ પ્રકારના કાર્યક્રમો ખેડૂતો માટે ઉપયોગી અને પ્રેરણાત્મક ગણાવ્યા હતા.