
ગામ પિપલખેડમાં આજે સવારે ૧૦:૦૦ કલાકે ૧૯૯૫માં કાશ્મીરમાં રાષ્ટ્રરક્ષાના ધર્મનું પાલન કરતા આતંકવાદીઓ સામે બહાદુરી પૂર્વક લડી શહીદ થયેલા ગામના ગૌરવ શહીદ રાયલુભાઈ ગાંગોડાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગાંધીનગરથી દેશના બહાદુર જવાનો પિપલખેડ આવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા. ગામના મોટી સંખ્યામાં રહેવાસીઓએ ઉપસ્થિત રહી દેશના લાડલા શહીદને નમન કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન શહીદ રાયલુભાઈના બલિદાનને યાદ કરતા સૌએ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી પરિપૂર્ણ માહોલ સર્જ્યો હતો.

આ પ્રસંગે નિવૃત્ત અર્ધલશ્કર સંગઠનના પ્રમુખ શ્રી ખુશાલભાઈ વાઢું, વિરાંગનાઓ તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શહીદની સ્મૃતિને નમન કરીને દેશભક્તિના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. પિપલખેડ ગામે આજે ફરી એક વાર પોતાના શહીદ પુત્રના બલિદાનને સ્મરીને ગૌરવ અનુભવ્યું હતું.