
નાનાપોંઢા તાલુકાના બાબરખડક ડુંગરી ફળિયામાં ગત મોડી સાંજે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય પંચાયત અંતર્ગત વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 2027ની વિધાનસભાની ચુંટણીઓને ધ્યાનમાં રાખી, સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા “ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત આ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં નાનાપોંઢા જિલ્લા પંચાયતના સંગઠનના હોદ્દેદારો તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત “જય જોહર”, “જય આદિવાસી” અને “ચેતર વસાવા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં” જેવા નારાઓ સાથે કરવામાં આવી હતી. ડેડીયાપાડાના ધારાસભ્ય તથા આદિવાસી સમાજના જનનાયક ચેતર વસાવાની વિચારધારાથી પ્રેરાઈ, આમ આદમી પાર્ટીની વિચારધારા લોકોને સમજાવવાની અને તેમને પાર્ટી સાથે જોડવાની પહેલ આ બેઠકમાં કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન આદિવાસી સમાજ સાથે ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આગેવાનો દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓની નીતિઓ પર આકરા પ્રહારો કરતા પરિવર્તનની લહેરમાં આમ આદમી પાર્ટીને સતામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

આ પ્રસંગે કપરાડા તાલુકા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા માઈનોરિટી પ્રમુખ અસદ સિંધી, જિલ્લા પ્રવક્તા હરેશ પટેલ, કપરાડા મહામંત્રી પંકજ પટેલ, પ્રભારી અજીત પટેલ, દિપક પટેલ, ગુલાબભાઈ અને અશોકભાઈ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંતે ગ્રામજનોને આવનારી ચૂંટણીઓમાં સક્રિય રીતે જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.