
વલસાડ જિલ્લાના નાની દાંતી ગામના વતની અને કપરાડાની સરકારી શાળાના શિક્ષકે રાજસ્થાનના રણપ્રદેશમાં યોજાયેલી દેશની સૌથી કઠિન દોડ “ધ બોર્ડર રન” તરીકે ઓળખાતી “હેલ રેસ” સફળતા પૂર્વક પૂર્ણ કરી ગૌરવ મેળવ્યું છે. આ રેસની વિશેષતા એ છે કે તે બપોરે ૧૨ વાગ્યે રાજસ્થાનના રણપ્રદેશમાં ભીષણ ગરમી વચ્ચે શરૂ થાય છે, જ્યાં તાપમાન ઘણી વાર ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ પરિસ્થિતિમાં દોડવીરોએ અતિમાનવીય હિંમત, સહનશક્તિ અને દૃઢ મનોબળનું પ્રદર્શન કરવું પડે છે. શિક્ષકે આ પડકારજનક ૫૦ કિલોમીટર લાંબી દોડ માત્ર ૬ કલાક અને ૪ મિનિટમાં પૂર્ણ કરી સૌનું મન જીતી લીધું છે. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ આપતા આ શિક્ષકે શારીરિક તંદુરસ્તી અને મનોબળ દ્વારા શું હાંસલ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્થાનિક લોકોએ શિક્ષકના આ સિદ્ધિ પર અભિનંદન વ્યક્ત કર્યા છે અને ગામમાં ઉજવણીનું માહોલ છે. તેમના આ ઉપલબ્ધિથી વિસ્તારના યુવાઓમાં દોડ અને ફિટનેસ પ્રત્યે નવી પ્રેરણા ફેલાઈ છે.